આજ ‘સંવિધાન દિને’ સંવિધાનની કેટલીક હકિકતો…
• કિશોર મકવાણા  (Founder) 

26, નવેમ્બર, 1949ના દિવસે આપણા રાષ્ટ્રના મહાન સપૂત અને શોષિતો – પીડિતોના મસીહા ડૉ. બાબાસાહેબ આંબેડકરની આગેવાની હેઠળ નિર્મિત એક અદ્વિતીય… અનુપમ અને અનોખું સંવિધાનનું નિર્માણ કરી ભારતીય બંધારણ સભાને સુપરત કર્યું હતું. જેની યાદમાં 26 નવેમ્બર હવે બંધારણ દિન તરીકે ઉજવાય છે. ‘
• ૬૬ વર્ષે સંવિધાનને આટલું સન્માન આપવાનો યશ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આપવો જોઇએ. એમણે જ 26 નવેમ્બરે ‘ સંવિધાન દિન’ તરીકે ઉજવવાની પરંપરા શરૂ કરી. નરેન્દ્ર મોદીએ 26 નવેમ્બર 2016 ના રોજ સંસદમાં કહ્યું હતું ‘મારી સરકારનો એક જ ધર્મ છે ‘ઇન્ડિયા ફર્સ્ટ’…એક જ ધર્મ ગ્રંથ છે- ‘ભારતનું સંવિધાન’
• સંવિધાનના રચયિતા ડો. બાબાસાહેબ આંબેડકર સંવિધાન રચનાની ડ્રાફટિંગ કમિટીના ચેરમેન હતા
• આમ તો ડૉ. બાબાસાહેબ આંબેડકર કેવળ અસ્પૃશ્ય સમાજની સેવા માટે જ સંવિધાન સભામાં આવ્યા હતા, પરંતુ આ રાષ્ટ્ર સ્વતંત્ર થયું તેના પ્રારંભમાં જ તેના એક અભૂતપૂર્વ અને અસાધારણ સંવિધાનના સર્જનની જવાબદારી તેમના શિરે આવી. તેમણે કહ્યું હતું કે : ‘માત્ર અસ્પૃશ્યોના હિતોના રક્ષણ માટે જ હું સંવિધાન સભામાં આવ્યો હતો, આ સિવાય મારા મનમાં બીજો કોઈ જ વિચાર નહોતો. અહીંયા આવ્યા પછી આપ લોકોએ મને આટલી મોટી જવાબદારી સોંપી જેની મને કલ્પના પણ નહોતી. મુસદ્દા સમિતિના સભ્ય અને ત્યારબાદ તેના અધ્યક્ષ તરીકે ચૂંટાતા મને અપાર આશ્ચર્ય થયું હતું. મારા ઉપર વિશ્વાસ મૂકી માતૃભૂમિની સેવા કરવાની મને જે ઉમદા તક આપ લોકોએ આપી તે બદલ આપ સર્વેનો હું ઘણો જ આભારી છું. ’
• સંવિધાનસભાની પ્રથમ બેઠક તેના નિશ્ચિત કાર્યક્રમ પ્રમાણે 9 ડિસેમ્બર, 1946ના દિવસે વયસ્ક સદસ્ય ડૉ. સચિદાનંદ સિંહાની અધ્યક્ષતામાં મળી. 13 ડિસેમ્બરે સંવિધાન સભામાં પંડિત જવાહરલાલ નહેરુએ સંવિધાનના ઉદ્દેશ્ય તથા આઠ સૂત્રીય પ્રસ્તાવ પ્રસ્તુત કર્યો. જેમાં ભારતના સ્વાતંત્ર્ય, સાર્વભૌમત્વ અને પ્રજાસત્તાકની ઘોષણા કરવામાં આવી હતી.
• 17 ડિસેમ્બર, 1946ના દિવસે સંવિધાનસભામાં ડૉ. બાબાસાહેબનું પ્રવચન થયું હતું. ડૉ. આંબેડકરે પોતાની ઓજસ્વી વાણીમાં કહ્યું, ‘આ દેશનો સામાજિક, રાજકીય અને આર્થિક વિકાસ આજે નહીં તો કાલે થશે જ. સમય અને પરિસ્થિતિ આવતાં આ વિશાળ દેશ એક થયા વગર નહીં રહે. દુનિયાની કોઈ પણ તાકાત તેની એકતા આડે નહીં આવી શકે. આ દેશમાં આટલા પંથો અને જાતિઓ હોવા છતાં કોઈ ને કોઈ રીતે આપણે બધાં એક થઈ જઈશું તે વિશે મારા મનમાં સહેજ પણ શંકા નથી.’
• સંવિધાન તૈયાર કરવાના મહાન કાર્ય માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે કઠોર પરિશ્રમ કર્યો હતો. પોતાની બગડતી જતી તબિયતની પરવા કર્યા વિના રાષ્ટ્રે સોંપેલી મહાન કામગીરીમાં પોતાની સંપૂર્ણ શક્તિ કેન્દ્રિત કરી પૂરી પાડવાનું દાયિત્વ તેમણે સ્વીકાર્યું હતું અને એ માટે તેમણે તનતોડ મહેનત કરી હતી. તેમણે કેટલો પરિશ્રમ કરી આ કાર્ય પૂરું કર્યું હતું.
• સંવિધાનની સર્જનની તમામ પ્રક્રિયા પૂરી થતાં તેને પસાર કરવા 17 નવેમ્બર 1949 ગુરુવારે સંવિધાનસભામાં પ્રસ્તુત કરવામાં આવ્યું ત્યારે પણ લગભગ 76 સભ્યોએ પોતાના પ્રવચનમાં ડૉ. આંબેડકરની ભારોભાર પ્રશંસા કરી હતી.
• ભારતીય સંવિધાન સભાના અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે સંવિધાન સર્જન માટે ડૉ. બાબાસાહેબે કરેલા કઠોર પરિશ્રમનો ઉલ્લેખ કરતા તા. 26 નવેમ્બર 1949ની સંવિધાવ સભામાં કહ્યું, ‘અધ્યક્ષના આ આસને બેઠાં બેઠાં મેં હંમેશા જોયું છે કે, મુસદ્દા સમિતિના અધ્યક્ષ ડૉ. આંબેડકરે અસ્વસ્થ તબિયત હોવા છતાં અન્ય કોઈ વ્યક્તિ કરતાં સુંદર રીતે અતિઉત્સાહ અને લગનથી કાર્ય કર્યું છે. બીજી વ્યક્તિઓ કરતાં આ બાબતે મેં વિશેષ નોંધ કરી છે.’
• બે વર્ષ, અગિયાર માસ અને અઢાર દિવસ ચાલેલી સંવિધાનસભાએ 26 નવેમ્બર શનિવાર, 1949ના દિવસે અપાર હર્ષનાદ વચ્ચે આપણા મહાન બંધારણને બહાલી આપી.
• સંવિધાન સભાની બેઠકમાં સભાના ‘અધ્યક્ષ ડૉ. રાજેન્દ્ર પ્રસાદે કહ્યું – વડાપ્રધાન પંડિત નહેરુને જનતાના કામે જવાનું હોવાથી તેઓ પ્રથમ સહી કરશે.’ આથી પં. નહેરુએ અને સરદાર પટેલ એકબીજાના હાથમાં હાથ નાંખી અધ્યક્ષના આસનની સમીપ ગયા. ડૉ. બાબાસાહેબ આંબેડકરને પણ સાથે લેતા ગયા. ડૉ. આંબેડકર આ સંવિધાનના શિલ્પી હતા. આ પ્રોટોકોલ શિષ્ટાચાર હતો. પ્રથમ નહેરુ-સરદારે અધ્યક્ષ સાથે હસ્તધૂનન કર્યું… ત્યારબાદ ડૉ. આંબેડકરે હસ્તધૂનન કર્યું. ત્રણે પોતાની બેઠકે પાછા ફર્યા…
• ડૉ. આંબેડકરે વિશ્વમાં અજોડ સંવિધાનની ભેટ ધરી. સંવિધાનની મુદ્રિત આવૃત્તિ તૈયાર કરવામાં બે માસ લાગ્યા. સંવિધાનસભાનું અંતિમ બારમું અધિવેશન માત્ર એક જ દિવસ માટે મંગળવાર તા. 21-1-1950ના દિવસે આનંદ ઉલ્લાસયુક્ત વાતાવરણમાં મળ્યું. સંવિધાનની સ્વીકૃતિ માટે દરેક સભ્યોએ આ પવિત્ર ઐતિહાસિક દસ્તાવેજ ઉપર ત્રણ નકલોમાં પોતાના હસ્તાક્ષર કર્યા.
• સંવિધાનની ત્રણ નકલો કરવામાં આવી હતી. એક હસ્તલિખિત નકલ ખાસ લહિયા-કલાકાર પાસે તૈયાર કરવામાં આવી હતી. બીજી અંગ્રેજી નકલ પ્રેસ દ્વારા મુદ્રિત કરવામાં આવી હતી. જ્યારે ત્રીજી હિન્દી ભાષામાં હસ્તલિખિત નકલ તૈયાર કરવામાં આવી હતી.
ખૂબ ઓછા લોકોની જાણમાં હશે કે ડો. બાબાસાહેબ આંબેડકર દ્વારા નિર્મિત સંવિધાનની મૂળ પ્રતમાં ખૂબ સુંદર ચિત્રો છે. એ ચિત્રો શાંતિનિકેતનના ચિત્રકાર આચાર્ય નંદલાલ બોઝે તૈયાર કર્યા હતા. ચિત્રોમાં ભગવાન પણ છે. જેવા કે રામ, ક્રિશ્ન, હનુમાન, મહાવીર, બુદ્ધ વગેરે ઉપરાંત અન્ય ચિત્રોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
સૌ પ્રથમ પહેલા જ પાને ભાગ-૧ સંઘ અને સભ્યોની શરૂઆત થાય છે. ત્યાં સિંધુખીણની સંસ્કૃતિના અવશેષરૂપે મળી આવેલ આખલાના ચિત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં ૧ પાના નંબર ૬ ઉપર ભાગ-૩ અંતર્ગત મૂળભૂત અધિકાર આપ્યા છે તેના ઉપરના ભાગમાં રામ-સીતા સહ લક્ષ્મણ પુષ્પક વિમાનમાં જઈ રહ્યાં છે તેવા એક દુર્લભ ચિત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાના નં. ૨૦ પર ભાગ-૫ અંતર્ગત સંઘ વિશે ખ્યાલ આપ્યો છે તેના ઉપરના ભાગમાં ભગવાન બુધ્ધનું ચિંતનાત્મક ચિત્ર પણ સુંદર છે.
પાના નં. ૬૩ પર ભાગ-૬માં રાજ્યો વિશેની માહિતી આપેલી છે તે પૃષ્ઠ પર મોર અને વૃક્ષની વચ્ચે ભગવાન મહાવીર ધ્યાનસ્થ છે તેવું રંગીન અને રમણીય ચિત્ર પણ મોહક છે.
પાના નંબર ૧૦૨ પર ભાગ-૮ પર રાજ્યો આપવામાં આવ્યા છે તેની શરૂઆતમાં વિશેષ રીતે દોરવામાં આવેલા હનુમાનજીનું રંગીન ચિત્ર મૂકવામાં આવ્યું છે.
પાના નં. ૧૧૩ પર ભાગ-૧૨, જેમાં નાણાંકીય બાબતો, મિલકત-કરાર-દાવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે તેની ઉપરના ભાગમાં ભગવાન નટરાજની મૂર્તિ શોભાયમાન છે.
પાના નંબર-૧૪૧ પર ભાગ-૧૫માં ચૂંટણીના પ્રકરણની ઉપર અકબર અને શિવાજીના ચિત્રનો સમાવેશ કરવામાં આવ્યો છે.
પાના નંબર-૧૪૪ પર ભાગ-૧૬ ચોક્કસ વર્ગ માટે વિશેષ જોગવાઈની વ્યવસ્થા આપેલી છે. તેના ઉપરના ભાગમાં ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને પેશ્ર્વા નાના સાહેબના ચિત્ર આપેલા છે.
પાના નંબર-૧૫૪ ભાગ-૧૮માં કટોકટીની જોગવાઈ આપેલી છે. તેની ઉપરના ભાગમાં ગાંધીબાપુને તિલક કરતી મહિલાનું ચિત્ર આપવામાં આવ્યું છે.
• ૨૬ જાન્યુઆરી – ભારતનો ગણતંત્ર દિવસ…એ દિવસથી ભારતીય સંવિધાન અમલમાં આવ્યું હતું.
• બંધારણ વિશે આટલું જાણ્યા પછી હવે બંધારણને લઈને ચાલતા રાજકારણની વાત. દલિતોના નામે મગરના આંસુ સારનારી એક ધંધાદારી ટોળકી છે. એ જુઠ્ઠા-દંભીઓની ટોળકી માત્ર ગુજરાતમાં જ નહી આખા દેશમાં ફેલાએલી છે. આ ટોળકી વર્ષોથી દલિતોની વચ્ચે જાત-જાતના જુઠ્ઠાણા ચલાવે છે, એમાં એક જુઠ્ઠાણું એટલે ભાજપ સત્તા પર આવશે તો સંવિધાન બદલી નાંખશે. આ જુઠ્ઠાણુ આ ગેન્ગે વર્ષો સુધી ચલાવ્યે રાખ્યું, પણ એમની પોલ વાજપેયીના નેતૃત્વમાં સરકાર બની છતા ય આમાંનુ કંઇ ન થયું ત્યારે ઉઘાડી પડી ગઈ. એટલે ટોળકી ચૂપ થઈ ગઇ….ફરી પાછું લાગ્યું કે ૨૦૧૪માં મોદી સરકાર બનશે એટલે એ જ જૂનું પુરાણું જૂઠ્ઠાણુ ફરી શરૂ કર્યુ કે ‘મોદી સત્તા પર આવશે બંધારણ બદલી નાંખશે…સંવિધાન બદલી નાખશે…’ પણ કશુ થયું નહી.. ઉપરથી મોદી સરકારે પહેલીવાર ૨૬ નવેમ્બરને ‘સંવિધાન દિન’ તરીકે મનાવવાનું શરૂ કરી, સંવિધાન પૂર્ણ સન્માન કર્યુ. આવું સન્માન આજ સુધી કોઇએ કર્યુ નથી. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી હતા ત્યારે હાથીની અંબાડી પર બંધારણ મૂકી ઐતિહાસિક બંધારણ સન્માન યાત્રા કાઢી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *