ડો. બાબાસાહેબ આંબેડકર લખે છે:
‘મહંમદ ગઝનીએ એક ટુકડો ગઝનીની
જામી મસ્જિદમાં મૂક્યો,
એક ટુકડો તેણે બાદશાહી મહેલના
પ્રવેશ દ્વારે મૂક્યો,
ત્રીજો તેણે મક્કા મોકલ્યો
અને ચોથો મદીના.’
##સોમનાથ મંદિરને ધ્વસ્ત કરનાર મહંમદ ગઝનીના બચાવમાં રોમિલા થાપર જેવા ડાબેરી જુઠડા અને ભારત વિરોધી ઇતિહાસકારોએ ભલે પુસ્તકો લખ્યા હોય પરંતુ મહાન દેશ ભક્ત ડો. બાબાસાહેબ આંબેડકરે ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ નામના પોતાના ગ્રંથમાં મહંમદ ગઝનીના અસલી મકસદને સાવ ઉઘાડો કરી નાખ્યો છે.
##મુસ્લિમ આક્રમણો માત્ર લૂંટ કે વિજયની ભૂખને કારણે નહોતાં થયાં. તેમની પાછળ બીજો હેતુ હતો. હિંદુઓની મૂર્તિ પૂજા તથા દેવપૂજાને ફટકો મારી ભારતમાં ઈસ્લામની સ્થાપના કરવાનો પણ તેનો એક હેતુ હતો તેમાં કોઈ શંકા નથી.##
********
14 એપ્રિલ ભારતના મહાન રાષ્ટ્રભક્ત ડો. બાબાસાહેબ આંબેડકરનો જન્મ દિવસ ત્યારે એમના ઇરાદાપૂર્વક દબાવી રાખવામાં આવેલા રાષ્ટ્ર ચિંતનને લોકો સામે લાવવું જરુરી છે. ડો. બાબાસાહેબ આંબેડકરે લખેલા થોટ્સ ઓન પાકિસ્તાન ગ્રંથ દરેક ભારતીયે વાંચવા જેવાો છે. એમાં એમણે ભારતને એક હજાર વર્ષ સુધી ખેદાન મેદાન કરનારા વિદેશી આક્રાંતાઓના આતંક, હિંસા અને જેહાદની વિનાશલીલા વર્ણવી છે. ડો. બાબાસાહેબ આંબેડકરનું ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પુસ્તક લગભગ ૭૦૦ પાનાનું છે. ડો. આંબેડકરે સાતમી સદીમાં થયેલા પહેલા વિદેશી મુસ્લિમ આક્રમણથી શરુ કરીને ૧૯૪૦ સુધીના ઇસ્લામી અને અંગ્રેજ આક્રમણનો સંપૂર્ણ ચિતાર આ પુસ્તકમાં આપ્યો છે. ભારતની ગુલામીનો ઇતિહાસ અને ઇસ્લામના સાચા ચરિત્રને જાણવા માંગતા અભ્યાસીઓએ આ ઐતિહાસિક ગ્રંથ વાંચવા જેવો છે.
આમ તો બાબાસાહેબે આ પુસ્તકમાં મહંમદ બીન કાસિમ, ચંગેજખાન, મહંમદ ઘોરી, કુદબુદ્દીન એબક, તૈમુર, મહંમદ બખ્તયાર ખીલજી, અલ્લાઉદ્દીન ખીલજી, બાબર, ઔરંગઝેબ, અહમદશા અબ્દાલી જેવા આક્રાંતાઓએ તોડેલા મંદિરો, મંદિરો તોડીને ઊભી કરેલી મસ્જિદો, હિન્દુઓની કત્લેઆમ, સ્ત્રીઓ પર અત્યાચાર વગેરે વિશે વિસ્તૃત આ ગ્રંથમાં લખ્યું છે. પરંતુ આપણે અહીં માત્ર મહંમદ ગઝની વિશે ડો. આંબેડકરે આ ગ્રંથમાં શું લખ્યું છે એટલાનું જ વિષ્લેષણ કરીશું. સિંધુ સાગરના કિનારે ભારત વર્ષની યશોગાથા ગાતું ભગવાન સોમનાથનું મંદિર ભારતના જય-પરાજય અને જયનું સાક્ષી છે. આ મંદિરને ધ્વસ્ત કરનાર મહંમદ ગઝનીના બચાવમાં રોમિલા થાપર જેવા ડાબેરી જુઠડા અને ભારત વિરોધી ઇતિહાસકારોએ ભલે પુસ્તકો લખ્યા હોય પરંતુ મહાન દેશ ભક્ત ડો. બાબાસાહેબ આંબેડકરે ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ નામના પોતાના ગ્રંથમાં મહંમદ ગઝનીના અસલી મકસદને સાવ ઉઘાડો કરી નાખ્યો છે.
આ મંદિર હિન્દુઓનું આરાધ્ય સ્થાન હતું એટલા માટે મહંમદ ગઝનીએ તોડ્યું હતું એ ઐતિહાસિક તથ્ય ડો. આંબેડકરે ઉજાગર કર્યું છે. સોમનાથ મંદિર તોડી પાડી એના ગર્ભગૃહમાં રહેલા શિવલિંગના ચાર ટુકડા કરી ગઝની પોતાની સાથે લઇ ગયો હતો એની વાત ડો. આંબેડકરે આ ગ્રંથમાં કરી છે.
ડો. બાબાસાહેબ ઇસ્લામના આક્રમણોની શરુઆત લખતા પહેલા હ્યુએનસંગ ભારત આવ્યો ત્યારે ભારત કેટલું વિશાળ હતું તેનું વર્ણન કર્યું છે. એ પછી ડો. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ના પૃષ્ઠ: ૫૭-૫૮ પર લખે છે: જ્યારે ઈ.સ.ની 7મી સદીમાં ચીની યાત્રી હ્યુએનસંગ ભારતની મુલાકાતે આવ્યો ત્યારે અફઘાનિસ્તાનનો વિસ્તાર ભારતના ભાગ તરીકે જ ચાલુ હતો. …વાયવ્યમાંથી મુસ્લિમ ધાડાઓનું ભારત પર આક્રમણ તે અતિશય મહત્વની ઘટના હતી. સૌથી પહેલું આક્રમણ થયું, મહમદ બિન કાસિમના નેતૃત્વ નીચે આરબોનું.’
ડો. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ ના પૃષ્ઠ: ૫૮-૫૯ ઉપર લખે છે: ‘ઈ.સ. 1001માં મહંમદ ગઝનીના ભયંકર આક્રમણોની શ્રેણીઓનો પ્રારંભ થયો. ઇ.સ. 1030માં મહંમદનું મૃત્યુ થયું પણ 30 વર્ષના ટૂંકા ગાળામાં તેણે સત્તરવાર ભારત આક્રમણ કર્યું. ત્યાર પછી મહંમદ ઘોરીનાં આક્રમણો શરૂ થયાં.
મહંમદ ઘોરીએ તેનું પ્રથમ આક્રમણ ઈ.સ. 1173માં કર્યું. ઈ.સ. 1206માં તેની હત્યા કરવામાં આવી. ત્રીસ વર્ષો સુધી મહંમદ ગઝનીએ ભારત લૂંટીને પાયમાલ કર્યું અને ત્રીસ વર્ષ સુધી મહંમદ ઘોરીએ તે જ દેશને તે જ રીતે પાયમાલ કર્યો.
આ મુસ્લિમ આક્રમણો માત્ર લૂંટ કે વિજયની ભૂખને કારણે નહોતાં થયાં. તેમની પાછળ બીજો હેતુ હતો. હિંદુઓની મૂર્તિ પૂજા તથા દેવપૂજાને ફટકો મારી ભારતમાં ઈસ્લામની સ્થાપના કરવાનો પણ તેનો એક હેતુ હતો તેમાં કોઈ શંકા નથી.’
મહંમદ બિન કાસિમના પત્રનો હવાલો આપી ડો. આંબેડકર લખે છે: પોતાના એક પત્રમાં મહંમદ બિન કાસિમે હજિજને એમ લખ્યું કહેવાય છે: ‘રાજા દાહિરના ભત્રીજાને, તેના સૈનિકો અને મુખ્ય અધિકારીઓને મારી નાખવામાં આવ્યા છે અને કાફરોને ઇસ્લામમાં વટલાવવામાં આવ્યા છે કે મારી નાખવામાં આવ્યા છે. મંદિરોને બદલે મસ્જિદો તથા બંદગીની બીજી જગ્યાઓ ઊભી કરાઈ છે. કુતબા વાંચવામાં આવે છે અને નમાજ પઢવામાં આવે છે કે જેથી નક્કી કરેલા સમયે બંદગી થઈ શકે. રોજ સવારે અને સાંજે ખુદાની બંદગી તથા તકબીર અપાય છે.’
થોટ્સ ઓન પાકિસ્તાનના પૃષ્ઠ: ૫૯ ઉપર ડો. બાબાસાહેબ લખે છે: ‘મહંમદ ગઝનીએ પણ ભારત પરના પોતાના અસંખ્ય આક્રમણોને સતત ચાલુ રહેતું પવિત્ર યુદ્ધ જ માન્યું હતું. મહંમદનો ઇતિહાસકાર અલ અત્બી આ આક્રમણોને વર્ણવતાં લખે છે :
‘તેણે મંદિરોનો નાશ કર્યો અને ઈસ્લામની સ્થાપના કરી. તેણે શહેરો જીત્યાં, દુરાચારી દુશ્મનોની હત્યા કરી. મૂર્તિપૂજા કરનારાઓને મારી નાખ્યા અને મુસ્લિમોને ખુશખુશ કરી દીધા. પછી તે વતન પાછો ફર્યો અને ઇસ્લામ માટે મેળવેલી જીતોનો હિસાબ બહાર પાડ્યો અને શપથ લીધા કે દર વર્ષે તે ભારત સાથે પાક યુદ્ધ લડશે.’
હિન્દુઓના હ્રદયમાં ડર, આતંક ફેલાય તે માટે ગજનીએ કેવી યોજના બનાવી હતી તેની વાત કરતા ડો. આંબેડકર ‘થોટ્સ ઓન પાકિસ્તાન’ના પૃષ્ઠ: ૬૧ પર લખે છે: ‘મહંમદ ગઝનીએ તો પહેલેથી એવી યોજનાઓ અપનાવી કે જેથી હિંદુઓના હૃદયમાં ભ્રમ પેદા થાય. ઈ.સ. 1001માં રાજા જયપાલના પરાજય પછી મહંમદે હુકમ કર્યો કે ‘રાજા જયપાલને શેરીઓમાં ફેરવવામાં આવે કે જેથી તેના દીકરાઓ અને સેનાપતિઓ તેને શરમજનક, બંદીવાન અને અપમાનજનક સ્થિતિમાં જુએ અને કાફરોના દેશ મારફતે વિદેશોમાં ઈસ્લામનો ભય પ્રસરે. …કાફરોની કતલ કરવામાં મહંમદને વિશિષ્ટ આનંદ આવતો.
ઈ.સ. 1019માં ચાંદરાય પરના એક આક્રમણમાં અનેક કાફરોની કતલ કરવામાં આવી અથવા તેમને કેદ કરવામાં આવ્યા. કાફરો તથા સૂર્ય તથા અગ્નિ પૂજકોની હત્યા કર્યા સિવાય મુસ્લિમોને માત્ર લૂંટફાટથી સંતોષ થતો જ નહોતો.’
ઇતિહાસકાર ડૉ. ટિટસનો હવાલો આપીને ડો. બાબાસાહેબ આંબેડકર થોટ્સ ઓન પાકિસ્તાનના પૃષ્ઠ: ૬૨ પર લખે છે:
‘મિનદાજ – એસ – સિરાજ વધુમાં જણાવે છે કે, હજારેક મંદિરો તોડવા માટે તથા સોમનાથનું મંદિર તોડવાની તેની બહાદુરી માટે તથા તેની મૂર્તિ (શિવલિંગ) લૂંટી તેના ચાર ટુકડા કરવાના તેના આગ્રહ વિશે મહમદે કેટલી વિશાળ ખ્યાતિ પ્રાપ્ત કરી હતી. એક ટુકડો તેણે ગઝનીની જામી મસ્જિદમાં મૂક્યો, એક ટુકડો તેણે બાદશાહી મહેલના પ્રવેશ દ્વારે મૂક્યો, ત્રીજો તેણે મક્કા મોકલ્યો અને ચોથો મદીના.’
ડો. બાબાસાહેબ આંબેડકર આજ પાના પર આગળ લખે છે: ‘લેન પુલે કહે છે કે, દર વર્ષે તે હિંદુસ્થાનના કાફરો સાથે પાક યુદ્ધ લડશે તેવી કસમ લેનાર મહંમદ ગઝનીને સોમનાથનું મંદિર ન તૂટ્યું ત્યાં સુધી તેને મૂર્તિ તોડવાના આક્રમણથી સંતોષ નહોતો થયો અને આ જ માત્ર ખાસ હેતુથી, પોતાનાં જીવનમાં છેલ્લાં વર્ષોમાં તેણે મુલતાન થઈ અણહિલવાડને કાંઠે કાંઠે પોતાની વિકટ કૂચ આરંભી. આગળ વધતાં વધતાં તે લડતો ગયો અને છેવટે તેણે તે પ્રસિદ્ધ મંદિર જોયું.
સોમનાથ મંદિર કેવું હશે અને કેવી રીતે તોડવામાં આવ્યું હશે એ લખતી વખતે ડો. આંબેડકર (‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પૃષ્ઠ: ૬૨-૬૩) લેન પૂલેના પુસ્તક ‘મીડિવલ ઇન્ડિયા’માં લખેલા શબ્દો ટાંકે છે: ‘ત્યાં લાખો યાત્રિકો એકત્રિત થતા હતા, સહસ્ત્ર બ્રાહ્મણો મંદિરમાં પૂજા કરતા હતા તથા તેના કોષનું રક્ષણ કરતા હતા, તેના પ્રવેશ દ્વારોએ સહસ્ત્ર નૃત્યકારો તથા ગાયકો ગીત ગાતા હતા. તે મંદિરમાં પ્રસિદ્ધ લિંગ હતું. સ્વયંભૂ સ્તંભ, ઝવેરાતથી આભૂષિત થયેલો ઊભો હતો.
અને તારાઓ જેવા અમૂલ્ય રત્નોથી મઢેલા ઝુમ્મરોના પ્રતિબિંબ પાડતા, તીર્થસ્થાનને ઝગમગાવતા રત્નજડિત દીપસ્તંભ હતા. તેની પ્રાચીર પર બ્રાહ્મણોના ઝુંડ એકઠા થયા હતા. એ એવું માનતા હતા કે સોમનાથ ભગવાન એનો નાશ કરશે. પરંતુ વિદેશી મૂર્તિભંજકો દિવાલો પર ચડી ગયા. ભગવાન પોતાના સેવકોની પ્રાર્થના પર મૌન રહ્યા.
પોતાના ધર્મને ખાતર પચાસ હજાર હિંદુઓ મરાયા અને આ પવિત્ર મંદિરને ઇસ્લામના સાચા આસ્તિકો (મુસલમાનો) દ્વારા બેફામ લૂંટવામાં આવ્યું. તે મહાન પથ્થરના સ્તંભ (શિવલિંગ) ને તોડી પાડવામાં આવ્યું અને તેના અંશો વિજેતાઓના મહેલને શોભાવવા લઈ જવામાં આવ્યા. મંદિરના પ્રવેશદ્વારો ગઝનીમાં મુકાયા.’
ડો. આંબેડકર કહે છે: ‘મહંમદ ગઝનીએ કરેલું કાર્ય એના માટે પવિત્ર પરંપરા બની ગઈ અને તેના અનુગામીઓએ તેનું ઇમાનદારીપૂર્વક અનુસરણ કર્યું.
ડો. આંબેડકર (‘થોટ્સ ઓન પાકિસ્તાન’ પૃષ્ઠ: ૬૫-૬૬) ડૉ. ટિટસને ટાંકીને લખે છે: ‘ડો. ટિટસ જણાવે છે તેમ: ‘મહંમદ અને તૈમુર જેવા આક્રમકોને મૂર્તિ ખંડન, લૂંટેલી વસ્તુઓ એકત્ર કરવી, પકડાયેલોને, પરાજિતોને ગુલામ બનાવવા, અને ધર્માંતર કરાવતી તલવારથી કાફરોને જહન્નમમાં મોકલાવવા સાથે બીજી નિસબત હતી. બળથી તેમને ધર્માંતર કરાવવામાં એટલો બધો રસ નહોતો. પણ જ્યારે શાસકો હંમેશ માટે સ્થિર થયા ત્યારે ધર્માંતર કરાવીને જીતવાની વાત સૌથી વધુ તાકીદની બની ગઈ. ઈસ્લામને સમગ્ર દેશના ધર્મ તરીકે સ્થાપવાની રાજ્યની નીતિ બની. મહંમદે માત્ર મંદિરો જ તોડ્યાં એટલું જ નહિ પણ જીતેલા હિંદુઓને ગુલામ બનાવવાની નીતિ તેણે અખત્યાર કરી. ડૉ. ટિટસના શબ્દોમાં કહીએ તો :‘ભારત સાથેના ઈસ્લામના પ્રારંભના ગાળામાં કાફરોની કતલ અને તેમનાં મંદિરોના વિનાશનો જ આશ્રય માત્ર નહોતો લેવાયો પણ આપણે જોઈ ગયા તેમ, અનેક હારેલાઓને ગુલામ બનાવવામાં આવતા હતા. આ આક્રમણોમાં લૂંટને વહેંચી દેવી તે સેનાપતિઓ તથા સામાન્ય સૈનિકોનું મુખ્ય આકર્ષણ હતું. મહંમદે કાફરોની કતલ કરી, તેમનાં મંદિરોનો વિનાશ કર્યો, ગુલામો પકડ્યા અને લોકોની, ખાસ કરીને મંદિરોની તથા પૂજારીઓની સમૃદ્ધિ લૂંટી. આ જ તેના આક્રમણોનું મુખ્ય ધ્યેય જણાય છે. તેના પહેલાં જ આક્રમણ સમયે લૂંટીને તે ભારે સંપત્તિ તથા પાંચ લાખ હિંદુઓ સાથે લઈ ગયો હતો. સુંદર પુરુષો તથા સ્ત્રીઓને ગુલામ બનાવી ગઝની લઈ જવામાં આવ્યાં હતાં.’
ડો. બાબાસાહેબ સાતમી સદીના આક્રમણથી લઇને અહમદશાહ અબ્દાલીના છેલ્લા આક્રમણની વિનાશલીલા લખ્યા પછી છેલ્લે લખે છે: ‘મહમદ ગઝનીના આગમન અને અહમદશાહ અબદાલાની વાપસી વચ્ચે જે 762 વર્ષો વહી ગયાં તેની આવી કથા છે.’
~~~~~~~~~
દિવ્ય ભાસ્કર | રવીવાર, 11 એપ્રિલ 2021
રસરંગ પૂર્તિ | સોશિયલ નેટવર્ક કોલમ
©️kishormakwana